મા કે હત્યારી ? ૬ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારી લાશ શુટકેસમાં પુરી

07 Feb, 2018

 સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં સાવકી માતાએ છ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારીને સૂટકેસમાં બંધ કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. સાવકી માતાએ પોતાના પાપને છૂપાવવા માટે દીકરો ગૂમ થયો હોવાનું તરકટ રચ્યું હતું.

સુરેન્દ્રનગરના અત્યંત હિચકારા બનાવમાં માતા જ 6 વર્ષના પુત્રની હત્યારી નીકળી છે. સાવકી માતાએ 6 વર્ષના માસૂમ બાળકની અત્યંત નિર્દયતાથી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માતાએ એવી કબુલાત કરી છે કે તેની પુત્રીને પતિ સરખી રીતે ન સાચવતા બાળકને મોતને ઘાટ ઉતાર્યો. બાળક ગઈ કાલ સાંજથી ગુમ હતો અને ત્યારબાદ ઘરમાંથી જ એક સૂટકેસમાંથી બાળકની લાશ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. 
પોલીસની પૂછપરછમાં સાવકી માતાએ પોતે જ બાળકને બેગમાં પૂરીને હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. આરોપી મહિલાએ જણાવ્યું કે બાળકનો પિતા તેની બાળકીને બરાબર સાચવતો નહતો. આથી તેણે બાળકની હત્યા કરી. આરોપી મહિલા મૂળ અમદાવાદના કાલુપુરની રહીશ છે. શાંતિલાલ પરમાર સાથે તેના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતાં. આ તેના ત્રીજા લગ્ન હતાં. બાળકનો મૃતદેહ સૂટકેસમાંથી મોઢે ડૂચો મારેલી હાલતમાં મળી આવ્યો હતો. 
પ્રાથમિક તપાસમાં બાળકને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. મૃતક બાળકના પિતાએ બાળકની હત્યાનો આરોપ તેમની બીજી પત્ની અને ભદ્રની સાવકી માતા જીનલ પરમાર પર લગાવ્યો છે. પોલીસે આ અંગે સાવકી માતા જીનલ પરમારની મોડી રાતે અટકાયત પણ કરી હતી.