આર્થિક તંગી જ નહીં 70 વર્ષ જૂના RK સ્ટુડિયો વેચવાના આ ચાર કારણો પણ આવ્યા છે સામે

29 Aug, 2018

 70 વર્ષથી હિંદી સિનેમાની અનેક ક્લાસિક ફિલ્મ્સ આઈકોનિક આર કે સ્ટુડિયોમાં બની હતી. હવે તે માત્ર યાદ બનીને રહી જશે. રાજકપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરના દીકરા રણધિર, રીષિ, રાજીવ તથા બંને દીકરીઓ રિતુ નંદા તથા રિમા જૈને સાથે મળીને વેચવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ રણધિર કપૂરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આગ લાગ્યા બાદ સ્ટુડિયોને ઘણું જ નુકસાન થયું છે. ત્યારબાદ સરકારે નક્કી કરેલા નોર્મ્સ પ્રમાણે, સ્ટુડિયોને મેઈન્ટેઈન રાખવામાં પણ ઘણો જ ખર્ચ આવી રહ્યો હતો. જેને કારણે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રણધિરે વધુમાં કહ્યું હતું કે આગ લાગવાને કારણે કપૂર પરિવારની અનેક એન્ટિક વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ લાગ્યા બાદ કપૂર પરિવાર માટે આ સ્ટુડિયોનું બીજીવાર બાંધકામ કરવું ઘણું જ મુશ્કેલ બની ગયું હતું. આ સ્ટુડિયો વેચાવાનું અન્ય એક કારણ એ પણ છે કે આટલી દૂર હવે કોઈ શૂટિંગ માટે આવતું નથી. હવે અંધેરી, ગોરેગાંવની આસપાસના લોકેશનમાં જ શૂટિંગ થાય છે. તો કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રીષિ કપૂરે એમ કહ્યું હતું કે ભવિષ્યમાં બાળકોની વચ્ચે સંપત્તિને લઈને કાનૂની જંગ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટુડિયોમાં ફિલ્મ્સનું શૂટિંગ ઘણું જ ઓછું થઈ ગયું છે. કેટલીક સીરિયલ્સ તથા જાહેરાતોના શૂટિંગ થાય છે. જોકે, હવે સ્ટુડિયોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. રીષિ કપૂરે કહ્યું હતું કે તે સ્ટુડિયો વેચાવાથી દુઃખી છે પરંતુ રિનોવેટ કરાવવો ઘણો જ મુશ્કેલ છે. આર્થિક રીતે આનું સમારકામ કરાવવામાં આવે તે યોગ્ય નિર્ણય પણ નથી. ચેમ્બુરમાં આવેલો આ સ્ટુડિયો રાજ કપૂરના નિધન બાદ રણધિર કપૂર સંભાળતો હતો. 'પ્રેમગંથ'નું શૂટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું હતું.

કરિના કપૂર પણ આ સ્ટુડિયો વેચાવાથી દુઃખી છે. તેણે કહ્યું હતું, ''આ સ્ટુડિયોમાં અમે રમ્યા છીએ અને આની સાથે ઘણી જ યાદો જોડાયેલી છે.'' કરિનાએ એમ પણ કહ્યું હતું કે હવે તેના હાથમાં કંઈ જ નથી. તે આ ન્યૂઝથી દુઃખી છે પરંતુ નિર્ણય કપૂર પરિવારના વડીલોએ લીધો છે.

શો-મેન રાજકપૂરે 1948માં આર કે સ્ટુડિયો બનાવ્યો હતો. આ સ્ટુડિયો હેઠળ બનેલી પહેલી ફિલ્મ 'આગ' ફ્લોપ રહી હતી. જોકે, બીજી ફિલ્મ 'બરસાત' સુપરહિટ રહી હતી. સ્ટુડિયોનો લોગ 'બરસાત'ના રાજકપૂર તથા નરગિસના પોઝથી પ્રેરિત છે. અહીંયા 'આવારા', 'શ્રી 420', મેરા નામ જોકર', 'સંગમ', 'બોબી' તથા 'રામ તેરી ગંગા મેલી' જેવી ફિલ્મનું શૂટિંગ થયું છે.

રાજ કપૂર 60ના દાયકામાં આ ભવ્ય સ્ટુડિયોમાં હોળી તથા ગણેશોત્સવનો તહેવાર સેલિબ્રેટ કરતા હતાં. આર કે સ્ટુડિયોની હોળી ઘણી જ લોકપ્રિય હતી. અહીંયા પાણીના મોટા-મોટા પૂલ બનાવવામાં આવતા હતાં. રાજ કપૂર જાતે ઢોલ તથા હાર્મોનિયમ પર હોળીના ગીતો ગાતા હતાં. બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ આ હોળી પાર્ટીમાં આવતા હતાં. જોકે, રાજ કપૂરના નિધન બાદ આર કે સ્ટુડિયોની હોળી પણ બંધ થઈ ગઈ હતી. રાજ કપૂરના ભાઈઓ કે તેમના સંતાનોને હોળી પાર્ટીમાં ખાસ રસ દાખવ્યો નહીં.