મુકેશ અંબાણીના દીકરા આકાશની આ ગુજરાતી છોકરી સાથે થશે લગ્ન, જાણો કોણ છે એ ખુશનસીબ...

05 Mar, 2018

 દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, વર્ષના અંતે આકાશ પ્રખ્યાત હીરા કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે.

રસેલ અને મોના મહેતાના ત્રણ સંતાનમાં શ્ર્લોકા સૌથી નાની છે. અંબાણી અને મહેતા પરિવારે લગ્નની આ વાત અંગે હાલમાં કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રોની વાત જો સાચી હોય તો આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાની સગાઇ આગામી થોડાં અઠવાડિયાંમાં જ થશે અને ડિસેમ્બરની શરૂઆતમાં લગ્ન યોજાશે.
મૂકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો આકાશ છે અને શ્ર્લોકા મહેતા રોઝી બ્લૂ ડાયમંડ્સના વડા રસેલ મહેતાની દીકરી છે.
અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. આકાશ અને શ્ર્લોકા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યા હતા.
અંબાણી પરિવારના પ્રવક્તાને ઇમેલ્સ અને રિમાઇન્ડર્સ મોકલીને આ સંબંધમાં સવાલ પુછાયા હતા, પરંતુ હજી સુધી જવાબ નથી અપાયો.
અંબાણી પરિવારની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આકાશ અંબાણીની સગાઇ કે લગ્નની તારીખો હજી સુધી નક્કી નથી કરાઇ.
સૂત્રોએ માત્ર એટલું જણાવ્યું હતું કે અંબાણી પરિવાર સારા સમાચાર આપવામાં ખુશી અનુભવશે.
સગાઇ ૨૪મી માર્ચે છે કે નહિ? તે અંગે પણ હજી સ્પષ્ટતા નથી કરાઇ. આમ છતાં, આ લગ્ન ભારતમાં જ રખાય એવી પૂરી સંભાવના છે. રોઝી બ્લૂના પ્રવક્તાને આ સંબંધમાં મોકલાયેલા ઇમેલ્સનો પણ હજી જવાબ નથી મળ્યો.
મૂકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા સંતાનોમાં જોડિયા ભાઇ-બહેન આકાશ અને ઈશા અંબાણી છે. મૂકેશને કુલ ત્રણ સંતાન છે. આકાશ અંબાણી ઝડપથી વિકસી રહેલી દૂરસંચાર ક્ષેત્રની કંપની રિલાયન્સ જિયોના બોર્ડ પર છે.
શ્ર્લોકા મહેતાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૨૦૦૯માં શાળાનું શિક્ષણ પૂરું કર્યા બાદ પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્ર અને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ એન્ડ પૉલિટીકલ સાયન્સમાંથી કાયદાનું શિક્ષણ લીધું હતું. તે ૨૦૧૪ની જુલાઇથી રોઝી બ્લૂમાં ડિરેક્ટર છે. તે ‘કનેક્ટફૉર’ નામની સંસ્થાની સહસ્થાપક પણ છે.