હવે જૂનાગઢની તળેટીમાં પણ થઈ શકશે સિંહદર્શન

27 Sep, 2016

દેશ–વિદેશના લાખ્ખો લાયન-લવર્સ જ્યાં એશિયાટિક સિંહોને મુક્ત મને વિહરતા જોવાનો લહાવો માણવા આવી રહ્યા છે એ સાસણગીર–દેવળિયા પાર્ક બાદ સિંહદર્શન માટે વધુ એક રોમાંચક સ્થળ ખૂલવાનું છે અને સહેલાણીઓને ટૂંક સમયમાં જૂનાગઢની તળેટીમાં પણ સિંહદર્શન કરવાનો લહાવો મળે એવું આયોજન હાથ ધરાયું છે.

સંતોની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં અનેક વાર સિંહોની અવરજવર જોવા મળી છે. જૂનાગઢની તળેટીવિસ્તારમાં ત્રણ સાઇટ એવી છે જ્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિંહોએ તેમના વસવાટનું સ્થળ બનાવી લીધું છે. ગિરનાર પર્વત અને પૌરાણિક-ઐતિહાસિક એવી જૂનાગઢ નગરીમાં આવતા સહેલાણીઓને સિંહદર્શનનું વધુ એક નજરાણું મળે એ માટે જૂનાગઢના મેયર જિતુ હીરપરાએ તાજેતરમાં ગુજરાતના વનપ્રધાનને મળીને રજૂઆત કરી હતી.

જિતુભાઈએ  કહ્યું હતું કે ‘જૂનાગઢની તળેટીમાં સિંહોનો વસવાટ છે. અમારા જૂનાગઢમાં સિંહો અવારનવાર રસ્તા પર આવી જાય છે. અહીં સિંહદર્શન કરી શકાય એ માટે વનપ્રધાનને પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ પ્રતિનિધિમંડળને લઈને ગાંધીનગર જઈને આ મુદ્દે વનપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી કે જૂનાગઢ પાસે બોરદેવી, જીણા બાવાની મઢી, હસનાપુર ડૅમ અને સરકડિયા હનુમાન એમ ત્રણ સાઇટ પર સિંહદર્શન થઈ શકે છે. આ રજૂઆત બાદ વનપ્રધાને વનવિભાગને સૂચના આપીને માહિતી મેળવીને દરખાસ્ત મગાવી હતી.’

ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીના મદદનીશ વનસંરક્ષક એસ. ડી. ટીલાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂનાગઢ તળેટીવિસ્તારમાં લાયન સફારી પાર્કના મુદ્દે વનવિભાગ દ્વારા ગુજરાત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં જૂનાગઢ વિસ્તારમાં ૪૦ જેટલા સિંહો છે. છેલ્લે સિંહની વસ્તીગણતરી કરતી વખતે ગિરનાર વિસ્તારમાં ૩૩ સિંહો હતા. આ વિસ્તાર ૧૭,૦૦૦થી વધુ હેક્ટરમાં ફેલાયો છે જેમાં સાબર, ચિંકારા, નીલગાય અને ચિતળ જેવાં પ્રાણીઓ પણ છે.’


જૂનાગઢના મેયર જિતુ હીરપરાએ કહ્યું હતું કે ‘જેમ સાસણ ગીરમાં જીપ લઈને સિંહદર્શન માટે જઈ શકાય છે એમ જૂનાગઢ તળેટીમાં આવેલી ત્રણ સાઇટ પર જીપ લઈને સિંહદર્શન માટે જઈ શકાય એમ છે. યાત્રિકોને સિંહ જોવાની સાથે ગિરનાર પર્વતનાં દર્શન પણ થશે. જંગલમાં ફરવાની સાથોસાથ ગિરનાર પર્વત તેમ જ આ તો સંતોની ભૂમિ છે એટલે સંતોના આશ્રમો ઉપરાંત ઘણાંબધાં ઐતિહાસિક–પૌરાણિક સ્થળો પણ અહીં આવેલાં છે જેથી ટૂરિઝમ સાઇટ વિકસે એવું છે. યાત્રિકોને રહેવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. સિંહદર્શન માટે સાઇટ ખૂલશે તો અહીં લોકોને રોજગારી પણ મળી રહેશે.’