'ડૉ. હાથી'ની અંતિમ યાત્રામાં સેલ્ફી લેતા ચાહકો પર 'બબિતાજી' શું કહ્યું જાણી લો એકવાર

12 Jul, 2018

 નવ જુલાઈના રોજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડૉ. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનુ હાર્ટ એટેકથી નિધન થયુ હતું. કવિની અંતિમ યાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટીવી એક્ટ્રેસ મુન મુન દત્તા એટલે કે બબિતાજી લોકો પર ગુસ્સે થતી જોવા મળે છે. કવિની અંતિમ યાત્રામાં કેટલાંક લોકો સતત ફોટો પાડતા હતા અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હતાં. જેને કારણે બબિતાજી ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું હતું કે આ કોઈ સેલ્ફી લેવાની જગ્યા છે. ગુસ્સે થયા બાદ મુન મુન દત્તા તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. તે અંતિમ યાત્રામાં બહુ સમય રોકાઈ પણ નહોતી.


કવિ કુમારના નિધન બાદ મુન મુન દત્તાએ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ લખી હતી અને તસવીર શૅર કરી હતી. તેણે લખ્યું હતું, ''અમે તમને હંમેશા આ જ રીતે યાદ કરતા રહીશું. સરળ દિલ, ઉત્સાહથી તરબતર અને હંમેશા ખુશ રહેનાર વ્યક્તિ, જે સવારે એક સ્માઈલ સાથે તમામનું અભિવાદન કરતા હતાં. અમે દૂરથી જ તમારું ગીત સાંભળતા અને સમજી જતા કે તમે આવી રહ્યા છો. એક એવી વ્યક્તિ, જેનો વાત કરવાનો અંદાજ એકદમ ક્યૂટ હતો અને જે સાચો શુભચિંતક પણ હતો. હંમેશા તમારા ચહેરા પર હાસ્ય રહેતુ પછી ભલેને ગમે તેવી જ પરિસ્થિતિ કેમ ના હોય. આજે અમે શું અનુભવીએ છીએ, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સેટ પર આજે એક એવી વ્યક્તિ નહોતી, જેની આંખમાંથી આંસુ ના આવ્યા હોય. અમને નહોતી ખબર કે અમને આવો આંચકો લગાશે. આપણે હજી કાલે તો શૂટિંગ કર્યું હતું. તે અંતિમ સંભારણું બની રહેશે, તેનો સહેજ પણ અંદાજ નહોતો. અમારી પાસે માત્રને માત્ર તમારી પ્રેમાળ યાદો રહી ગઈ છે. જે આજના કાળા દિવસે પણ અમારા ચહેરા પર સ્માઈલ લાવી દે છે. ભગવાન તમારી આત્માને શાંતિ આપે હાથી ભાઈ...''