દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : સ્તનપાન બાદ પોઇઝનિંગથી ચાર માસની બાળાનું મોત, જાણો કારણ અને સાવધાન રહો...

14 Feb, 2018

 સુરત શહેરમાં સ્તનપાન કરતી એક ચાર માસની બાળકીનું પોઈઝનિંગથી મોત થયું હોવાનો બનાવ બન્યો છે. ડભોલી રોડ ખાતે આવેલા ક્રિષ્ના રો હાઉસમાં રહેતી આયુષી સંદીપભાઈ હેકડે (ઉ.વ. ચાર માસ)એ સોમવારે સાંજે માતાનું ધાવણ કર્યું હતું અને ત્યાર બાદ તેની તબિયત બગડતાં તેને તત્કાળ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં બાળકીને પોઈઝનિંગ થયું હોવાનું નિદાન થતાં તેની સારવાર શરૃ કરાઈ હતી પરંતુ પૂરતી સારવાર મળે એ પૂર્વે જ બાળકીએ દમ તોડતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

 
માસૂમનું નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું. જ્યારે સિવિલના તબીબોએ જણાવ્યું હતું કે, આવા કેસમાં માતાએ શું ખાધું છે એ બાબત ખૂબ મહત્ત્વની છે. કેટલીક વખત ધાત્રી માતા દ્વારા જમવામાં કાળજી નહીં રખાય તો સ્તનપાન કરતા બાળકને તેનું રિએકશન આવી શકે છે. આવું નહીં બને એટલાં માટે તો કેટલીક દવાઓ પણ માતાઓને અપાતી નથી. તબીબે વધુમાં જણાવ્યું હતું કે, કેટલીક વખત માતાએ ખાધેલો ખોરાક બાળકના નાનાં જઠરમાં પચતો નથી અને તે મુશ્કેલી સર્જતો હોવાને કારણે પણ બાળકમાં પોઝઈનિંગ થઈ શકે છે આ સંજોગોમાં ઘાત્રી માતાઓ દ્વારા ખાવાની પૂરતી કાળજી રખાય તે જરૃરી છે.
 
સિવિલના ડો. મંડલે જણાવ્યું હતું કે, સ્તનપાન કરાવતી માતાએ સતત કાળજી રાખવી જોઈએ કે તેં જે કંઈ પણ ભોજન લે છે એ તેના બાળકને પણ મળવાનું છે, આવી માતાઓએ દવા પણ તબીબની સલાહ વિના લેવી જોઈએ નહીં પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે અને બાળકીના પિતા શહેરમાં વાયરમેન તરીકે કામ કરે છે.