આજે રિલીઝ થયેલી 'ઉંગલી', 'ઝિદ' અને 'ઝેડ પ્લસ', ટિકિટના પૈસા ખર્ચતા પહેલાં વાંચી લો ફિલ્મની સ્ટોરી એક ક્લિક પર

28 Nov, 2014

ઉંગલી :
કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી ‘ઉંગલી’માં સંજય દત્ત ઉપરાંત ઇમરાન હાશ્મી, કંગના રનોટ, રણદીપ હૂડા, નેહા ધુપિયા અને શ્રદ્ધા કપૂર છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જિગર અને સલીમ-સુલેમાને આપ્યું છે તો ફિલ્મનું ડિરેક્શન રેન્સિલ ડિસિલ્વાએ કર્યું છે. ફિલ્મની સ્ટોરી એવા ચાર દોસ્તોની આસપાસ ઘૂમરાય છે જે એક થઈને કરપ્ટ થઈ ગયેલી સિસ્ટમની સામે લડવાની મહેનત કરે છે અને મુંબઈને ક્રાઇમ-ફ્રી સિટી બનાવવાની દિશામાં આગળ વધે છે.

અભય (રણદીપ હૂડા), માયા (કંગના રનોટ), ગોટી (નીલ ભૂપલમ) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ છે તો માયા મેડિકલ કૉલેજમાં ઇન્ટર્ન છે જ્યારે ગોટી કમ્પ્યુટર હાર્ડવેર સ્પેશ્યલિસ્ટ છે અને કલીમને પોતાનું ગૅરેજ છે. અલગ-અલગ ફીલ્ડના આ ચાર ફ્રેન્ડ્સ અનાયાસ રિકી (અરુણોદય સિંહ)ના જિમમાં મળે છે અને બધા ફ્રેન્ડ્સ બની જાય છે. એક દિવસ રિકીને અંશુમન દયાલ નામનો એક માણસ શરાબ પીને ચગદી નાખે છે. રિકીને ન્યાય મળે એ માટે તેના ચારેય ફ્રેન્ડ બહુ જહેમત ઉઠાવે છે, પણ ફાઇનલી એ જ થાય છે કે અંશુમન ર્કોટમાં નિર્દોષ પુરવાર થઈ જાય છે અને રિકીને ન્યાય નથી મળતો. ચાર ફ્રેન્ડ્સ બહુ અપસેટ થઈ જાય છે. પોતાની આ અપસેટનેસ વચ્ચે તે બધા એક થઈને ‘ઉંગલી’ નામની એક ગેન્ગ શરૂ કરે છે જે કરપ્ટ સિસ્ટમને સુધારવાનું કામ શરૂ કરે છે. આ ગેન્ગ શરૂ કરવાનો વિચાર આપનારો નિખિલ (ઇમરાન હાશ્મી) છે. નિખિલની મદદથી અને પોતાની મહેનતથી ઉંગલી ગેન્ગ મ્યુનિસિપલ કમિશનરથી લઈને ય્વ્બ્ ઑફિસર સુધ્ધાંને ખુલ્લા પાડે છે તો પોલીસને પણ એમાંથી બાકાત રહેવા નથી દેતી. ઉંગલીએ સિસ્ટમને ઉંગલી શરૂ કર્યા પછી દેકારો મચી જાય છે.

ન્યુઝ-ચૅનલથી લઈને પ્રિન્ટ મીડિયા સુધ્ધાં આ ઉંગલી ગેન્ગનાં કરતૂતથી જબરદસ્ત પ્રભાવિત થાય છે. યંગસ્ટર્સ આ ગેન્ગના પ્રેમમાં પડી જાય છે અને સોશ્યલ નેટવર્ક વેબસાઇટથી લઈને તમામ જગ્યાએ એને જાહેરમાં સપોર્ટ કરવાનું શરૂ કરે છે, પણ વાત ત્યારે બદલાય છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર સુધી એ પહોંચે છે. સરકાર નથી ઇચ્છતી કે આ ગેન્ગ લોકોમાં આ હદે લોકપ્રિય રહે.

ગવર્નમેન્ટ ઑર્ડર કરે છે કે કોઈ પણ હિસાબે આ ઉંગલી ગેન્ગને ખતમ કરવી. ઑર્ડર આવ્યા પછી મુંબઈના પોલીસ-કમિશનર ઉંગલી ગેન્ગને ખતમ કરવાનું કામ અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર કાલે (સંજય દત્ત)ને સોંપે છે. કાલે સામે ધર્મસંકટ છે. ગેન્ગના કામને તે હૃદયથી બિરદાવી રહ્યો છે, પણ ગેન્ગ દ્વારા કરવામાં આવતાં કરતૂત કાયદાથી વિરુદ્ધ હોવાથી તેનું મન માને છે કે ગેન્ગના તમામ સાથીઓને સજા મળવી જ જોઈએ. આ ધર્મસંકટ વચ્ચે કાલે અને ઉંગલી ગેન્ગ આમને-સામને આવે છે.

ઝિદ :
અનુભવ સિંહાએ પ્રોડ્યુસ કરેલી અને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઝિદ’ એક સેક્સ્યુઅલ સસ્પેન્સ-થ્રિલર છે. છે. પ્રિયંકા ચોપડાની કઝિન મનારા અને કરણવીર શર્મા ફિલ્મનાં લીડ સ્ટાર છે.

આ ફિલ્મની સ્ટોરી જોઈએ તો
એક નિર્દોષ છોકરી સાથે છેતરપિંડી કરીને તે છોકરીને પ્રેમમાં પાડવામાં આવે છે. છોકરી બિલકુલ નિર્દોષ છે અને એટલી જ ખૂબસૂરત છે. તેને ખબર નથી કે તેનો ઉપયોગ માત્ર અને માત્ર શરીર માટે થઈ રહ્યો છે, પણ જ્યારે હકીકતની ખબર પડે છે ત્યારે સૌથી પહેલાં તો તેને જબરદસ્ત આઘાત લાગે છે કે તે આત્મહત્યાના રસ્તા સુધી પહોંચી જાય છે, પણ એ આઘાતને પાર કર્યા પછી તે જીદ પર આવે છે અને તેની આ જીદ અનેક લોકો માટે જોખમી બની જાય છે.

ઝેડ પ્લસ :
ફિલ્મ ‘ઝેડ પ્લસ’ એક પૉલિટિકલ કટાક્ષિકા છે. દેશમાં સરકારની હાલત ખરાબ છે અને ગમે એ ઘડીએ સરકાર પડી ભાંગે એમ છે.  ફિલ્મની સ્ટોરી પ્રમાણે વડા પ્રધાનની માનસિક હાલત ખરાબ છે. એ હાલત વચ્ચે તેમને સજેશન મળે છે કે જો સરકાર બચાવવી હોય તો તેમણે રાજસ્થાનના ફતેહપુર નામના ગામમાં આવેલી પીપલવાલે પીરની દરગાહ પર ચાદર ચડાવવી જોઈએ. વડા પ્રધાન વાત માની જાય છે અને ફતેહપુર દેશભરના ન્યુઝપેપરમાં હેડલાઇન બની જાય છે. વાત તો ત્યારે વધી જાય છે જ્યારે ફતેહપુરમાં ચાદર ચડાવવા આવેલા વડા પ્રધાન એક સાવ સામાન્ય અને ગરીબ એવા સાઇકલ પંક્ચરવાળા અસલમને મળે છે અને તેની સાથે પ્રાઇવેટમાં ગુફ્તેગો કરે છે. ચરમસીમા એ સમયે આવે છે જ્યારે વડા પ્રધાન પોતાની વાતચીત પછી તરત જ તે પંક્ચરવાળાને ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા આપવાનો આદેશ કરે છે. ઝેડ પ્લસ સિક્યૉરિટી જો કૉમન મૅનની લાઇફમાં આવી જાય તો શું હાલત થાય એનો ચિતાર બહુ રમૂજી રીતે રજૂ તો થાય છે. ફિલ્મમાં આદિલ હુસેન, મુકેશ તિવારી, મોના સિંહ, સંજય મિશ્રા જેવા ટીવી અને થિયેટરના ઍક્ટર છે.