Movie Review:'રંગ રસિયા'

07 Nov, 2014

 'રંગ રસિયા'ની વાર્તા સદીઓ પહેલાના આપણા સમાજને સ્પર્શે છે, જ્યાં એક ચિત્રકાર પોતાની ભાવનાઓને રંગો અને કલ્પનાઓને આકાર આપી રહ્યો છે. આ દરમિયાન ચિત્રકારની અમુક તસવીરોને અશ્લીલ ઠેરવવામાં આવે છે અને તેના પર કેસ ચાલે છે.
વાર્તા
 
ફિલ્મની વાર્તા ચિત્રકાર રવિ વર્મા(રણદીપ હુડા)ની આસપાસ ગુંથવામાં આવી છે, જે હિન્દુ દેવી-દેવતાઓની નિર્વસ્ત્ર તસવીરો બનાવી વિવાદોમાં આવી જાય છે. રવિ વર્માના લગ્ન થાય છે, પણ થોડાં સમયમાં જ તૂટી જાય છે. આ દરમિયાન રવિની મુલાકાત સુગંધા(નંદના સેન)સાથે થાય છે. રવિ સુગંધાની ખૂબસૂરતમાં પડીને તેને પ્રેમ કરવા લાગે છે. રવિ, સુગંધાને પોતાના ચિત્રોમાં સ્થાન આપે છે, જેનાથી ધાર્મિક ગુરૂ અને અમુક સંગઠન તેના પર સવાલ ઉઠાવવા લાગે છે.  આ રીતે તસવીર બનાવવા પર સમાજનો એક વર્ગ તેની નિંદા કરીને તેને સજાપાત્ર માને છે. રવિ પર સવાલ ઉઠે છે કે,આ પ્રકારની તસવીર બનાવવાની મંજુરી કોણે આપી...કોર્ટમાં કેસ દાખલ થાય છે. રવિ પર હુમલો પણ થાય છે. રવિના ચિત્રો અને તેની જિંદગીની સફરને સ્પર્શતી ફિલ્મ અંત સુધી પહોંચે છે.
 
નિર્દેશન
 
કેતન મહેતા 'રંગ રસિયા' પહેલા 'મંગલ પાંડેઃ ધ રાઈઝીંગ' જેવી પીરિયડ ફિલ્મ બનાવી ચુક્યા છે. કેતનની ફિલ્મ્સ મુખ્યપ્રવાહથી અલગ હોય છે અને 'રંગ રસિયા' પણ આવી જ એક ફિલ્મ છે. જોકે ફિલ્મ 100 વર્ષ જુની વાર્તા કહેતી હોવાથી ફિલ્મમાં પૃષ્ઠભૂમિનું બેહદ મહત્વ છે. કેતને તે સમયને એક એક ફ્રેમ દ્વારા આગળ વધાર્યો છે.ફિલ્મમાં બોલ્ડનેસ છે, પણ તે ભદ્દી ન લાગીને વાર્તાનો ભાગ હોવાનો અહેસાસ થાય છે.
 
અભિનય
 
રણદીપ હુડાએ કમાલનો અભિનય કર્યો છે. ફિલ્મ લાંબા સમય પહેલા શૂટ કરવામાં આવી હોવાછતાં રણદીપનું કામ કાબિલેદાદ છે. નંદના સેને પણ પોતાની ભૂમિકા જીવી જાણી છે. પિ્લમના અન્ય કલાકારો જેવા કે પરેશ રાવલ, ગૌરવ દ્વીવેદી અને વિપિન શર્મા પણ પ્રશંસાને પાત્ર છે.
 
સંગીત
 
'રંગ રસિયા' કમર્શીયલ ફિલ્મથી અલગ છે. ફિલ્મનું સંગીત વિષય સાથે બંધ બેસતુ છે અને વાર્તા આગળ વધારવામાં મદદ કરે છે.
 
શા માટે જોવી
 
કેતન મહેતાની 'રંગ રસિયા' બેશક ખાસ દર્શકોને પસંદ આવશે, પણ કમર્શીયલ ફિલ્મ્સથી કંટાળી ગયેલા દર્શકો પણ આ ફિલ્મ પર દાવ રમી શકે છે. ફિલ્મની વાર્તા અને અભિનય બન્ને નવો અનુભવ કરાવશે.

Loading...

Loading...