આ હેલ્ધી શિયાળુ દાળ ચાખવાની રહી ના જાય, નોંધી લો રેસિપી

03 Dec, 2014

આજે ફરી એક વખત અમે તમારી માટે 5 નવા સ્વાદથી ભરપૂર દાળ લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં તુવેર દાળ કે મગની દાળ તો બનતી જ હોય છે. આજે અમે તમારી માટે મસુર દાળ તડકા અને ટોમેટો દાળ જેવી 5 નવા ફ્લેવરથી ભરપૂર દાળ લઈને આવ્યા છીએ. જેને તમે એકવાર ચાખશો, તો ચોક્કસથી બીજી વાર બનાવશો. પરિવારજનો રોજ-રોજ એકની એક તુવેર દાળ ખાઈને કંટાળ્યા હોય તો, તમે ચોક્કસથી તેમને સ્વાદ ચેન્જ માટે નવી દાળ પીરસી શકો છો. હા પણ, પહેલા એની માટે રેસિપી તો નોંધી લો.

ગાજર દાળ-
 
સામગ્રી-
 
-1/4 કપ મસુર દાળ અથવા તો મગની મોગર દાળ
-1 નંગ ગાજર
-1 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-4 કળી લસણ
-1/2 ટેબલસ્પૂન ઘી અથવા તેલ
-2 ટીસ્પૂન લીંબુનો રસ
-1/4 ટી સ્પૂન રાઈ
-મીઠું સ્વાદાનુસાર
-મીઠો લીમડો
 
રીત-
 
સૌપ્રથમ દાળને 10 થી 15 મિનિટ માટે પલાળી દો. આ દરમિયાન ગાજર, ટામેટા, ડુંગળી અને લસણને બરાબર કટ કરી લો. હવે પ્રેશર કૂકરમાં દાળ, ટામેટા, ગાજર, ડુંગળી અને લસણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જરૂર પૂરતું પાણી ઉમેરીને ચારથી પાંચ સીટી વગાડી લો. હવે એક નોન સ્ટિક પેનમાં ઘી અથવા તો તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરીને સાંતળો. બધું બરાબર સંતળાય જાય એટલે તેમાં બાફેલી દાળ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દાળ જો ઘટ્ટ લાગતી હોય તો તમે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને દાળને ચઢવા દો. દાળ ઉકળવા લાગે એટલે બેથી ત્રણ મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી લો. છેલ્લે લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ દાળને ચપાટી અથવા તો રાઈસ સાથે સર્વ કરો.

દાલ પાલક-
 
સામગ્રી-
 
-2 કપ પાલક
-1 નંગ ડુંગળી
-1/2 ટેબલસ્પૂન આદું સમારેલું
-2 નંગ લીલા મરચાં સમારેલા
-1/2 ટીસ્પૂન ખાંડ
-3/4 કપ બાફેલી તુવેરદાળ
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-1/2 ટીસ્પૂન જીરૂં
-1 ચપટી હીંગ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ પાલકને બરાબર ધોઈને કટ કરી લો. ડુંગળી, લીલા મરચાં અને આદુંને પણ સમારી લો. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરૂં ઉમેરો. રાઈ ફૂટએ એટલે તેમાં આદું અને મરચાં ઉમેરીને સાંતળો. ત્યાર  બાદ તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ પીંક રંગની થાય એટલે તેમાં પાલક, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને સાંતળો. મધ્યમ તાપે પાલકમાંથી પાણી છુટે ત્યાં સુધી સાંતળો. લગભગ ચારથી પાંચ મિનિટ લાગશે. ત્યાર બાદ તેમાં બાફેલી તુવેરદાળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમને એ વધારે ઘટ્ટ લાગે તો તેમાં પાણી ઉમેરી શકો છો. હવે આ દાળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ગરમા ગરમ દાળને રોટી અથવા તો ભાત સાથે સર્વ કરો.


ટોમેટો દાળ-
 
સામગ્રી-
 
-1/2 કપ તુવેર દાળ
-1 નંગ ડુંગળી
-2 નંગ ટામેટા
-4 કળી લસણ
-1 નંગ લીલું મરચું
-2 ટીસ્પૂન તેલ
-1 ટીસ્પૂન ઘી
-1/4 ટીસ્પૂન હળદર
-2 નંગ સૂકાં લાલ મરચાં
-1/4 ટીસ્પૂન રાઈ
-મીઠું સ્વાદાનુસાર
-મીઠો લીમડો
-કોથમીર
 
રીત-
 
સૌપ્રથમ તુવેરની દાળને બરાબર ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ તેને પ્રેશર કૂકરમાં મીઠું, હળદર અને થોડું પાણી ઉમેરીને બાફી લો. આ દરમિયાન જેટલા પણ શાક છે તેને બરાબર સાફ કટ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.ડુંગળી લાઈટ પીંક રંગની અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. ટામેટા અઘકચરા ચઢી જાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ટામેટા બરાબર ચઢી જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પાંચેક મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે ઘી ગરમ કરીને દાળમાં ઉમેરી દો. તેનાથી દાળનો સ્વાદ વધારે સારો બની જશે. સ્વાદિષ્ટ ટોમેટો દાળને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ રાઈસ સાથે સર્વ કરો.


મેથી દાળ-
 
સામગ્રી-
 
-50 ગ્રામ મેથીની ભાજી
-1 ચમચી ચણાનો લોટ
-1 ચમચી જીરૂં
-1 ચપટી હિંગ
-2 ચમચી કોથમીર સમારેલી
-1 વાટકી મગની દાળ
-2 નંગ ટામેટાં સમારેલા
-1 ચમચો ઘી
-લાલ મરચું સ્વાદાનુસાર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ દાળ અને ભાજીને ધોઈને પાણી નાખી સીજવવા મૂકી દો. તેમાં પ્રમાણસર હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે દાળભાજી અડધી સીજી જાય ત્યારે તેમાં ચણાનો લોટ ઓગાળીને ઉમેરી દો. જ્યારે દાળ બરાબર સીજી જાય ત્યારે નીચે ઉતારી લો. હવે બીજા વાસણમાં હીંગ અને જીરાનો વઘાર કરી ઉપર લખેલો બધો મસાલો નાખી કોથમીર, લાલ ટામેટાં નાંખીને પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. તેમાં દાળ-ભાજી નાખી ઉકાળવું. પછી ગરમા-ગરમ દાળને ભાત સાથે સર્વ કરો.

મસુર દાળ તડકા-
 
સામગ્રી-
 
-1/2 કપ મસુર દાળ
-1 નંગ ટામેટું
-1 ટીસ્પૂન આદુંની પેસ્ટ
-1 નંગ ડુંગળી
-3 કળી લસણ
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1 નંગ લીલું મરચું
-1/4 ટીસ્પૂન જીરૂં પાવડર
-1 ચપટી કસુર મેથી
-2 ટીસ્પૂન બટર અથવા ઘી
-1/4 ટીસ્પૂન હળદર
-1 નંગ સૂકું લાલ મરચું
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ ટામેટાને ક્યુબમાં કટ કરી લો. દાળને ધોઈને સાફ કરી લો. હવે એક પ્રેશર કૂકરમાં દાળ, ટામેટા, હળદર, મીઠું અને આદુંની પેસ્ટ ઉમેરીને બાફવા માટે મૂકો. જરૂર પૂરતું પાણી ઉમેરવુ. 4 થી 5 સીટી વગાડી લો. દાળ બરાબર બફાય જાય એટલે ગેસ બંધ કરીને કૂકરને ઠંડુ થવા દો. હવે દાળને વલોવી લો. લસણ, ડુંગળી અને લીલા મરચાંને કટ કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં ઘી અથવા તો બટર ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ, લાલ સૂકું મરચું અને લીલા મરચાં ઉમેરીને ધીમા તાપે સાંતળો. ડુંગળી સંતળાય ત્યાં સુધીમાં પાફેલી દાળમાં લાલ મરચું, મીઠું અને જીરૂં પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ દાળને થોડીવાર માટે ઉકળવા માટે મૂકો. ડુંગળી સંતળાય જાય એટલે એ વગારને ઉકળી રહેલી દાળમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ દાળને ઢાંકીને 2 મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તડકા દાળ તૈયાર છે. ગરમા-ગરમ દાળને જીરા રાઈસ અને રોટી સાથે સર્વ કરો. તમે ઈચ્છો તો કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો.