ડબલ સિઝનમાં થઈ શકે છે સ્કીન એલર્જી, બચવા માટે કરો આટલા ઉપાય

05 Nov, 2014

હાલ દેશના મોટા ભાગના રાજ્યોમાં ડબલ સિઝન જેવુ વાતાવરણ છે. આવી સિઝનમાં સ્કીન ડ્રાય થવાની સાથે સાથે અન્ય પણ એલર્જી થવાની શક્યતા રહેતી હોય છે. જોકે સ્કીન એલર્જી થવાના કારણો એક કરતાં વધુ હોઇ શકે છે. તે સૂર્યની ગરમીના લીધે થઇ શકે છે કે પછી કપડાં કે કોઇ ચોક્કસ પ્રકારના શાકભાજીને કારણે પણ થઈ શકે છે. આપણી ત્વચા બહુ સંવેદનશીલ હોય છે માટે તેના પર આવી વસ્તુઓની અસર બહુ જલ્દી પડે છે. આમ તો આવી એલર્જી સમય પસાર થતાં આપોઆપ મટી જતી હોય છે, પણ તેની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ક્યારેક તે વધી પણ શકે છે માટે આવી એલર્જીને જડમાંથી જ દૂર કરવી જરૂરી છે.

કેટલાંક ઘરેલું ઉપચારો

પાણી  : પાણી એ ઘણાં બધાં રોગોનો ઇલાજ છે. શક્ય તેટલી માત્રામાં વધુ ને વધુ પાણી પીઓ. વાસ્તવમાં પાણી પીવાથી શરીરની ગંદકી પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. સ્કિન એલર્જીનો આ સૌથી ઉત્તમ પ્રાકૃતિક ઇલાજ છે.

તેલ લગાવો : ત્વચા પર ગરમ-ગરમ નારિયેળનું તેલ લગાવો અને રાતભર તેને ત્વચા પર લાગેલું જ રહેવા દો. આનાથી એલર્જીવાળી ત્વચા નીકળી જશે અને સાથે આ રીત એન્ટી બેક્ટેરિયલ હોવાથી ત્વચા સંપૂર્ણપણે એલર્જી રહિત બની જશે.

લીમડાની પેસ્ટ : લીમડો એન્ટીબેક્ટેરિયલ હોય છે માટે તે કોઇપણ ત્વચા સંબંધિત બીમારીને દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એલર્જી દૂર કરવા માટે કડવા લીમડાના પાંદડાને 6થી 8 કલાક માટે પાણીમાં પલાડી રાખો. બાદમાં તેને પીસી લો. ત્વચા પર આ પેસ્ટને ૩૦ મિનિટ સુધી લગાવેલી રાખો. બાદમાં તેને પાણીથી સાફ કરી લો.

ખસખસ : મિક્સરમાં ખસખસને ગ્રાઇન્ડ કરો અને તેમાં લીંબુનો રસ નાંખો. આ પેસટને એલર્જીવાળી ત્વચા પર લગાવો. આનાથી ધીમે-ધીમે તમારી એલર્જી મટી જશે.

સ્નાન : આ પણ એક પ્રકારનો ઘરેલું નુસ્ખો છે જેનાથી સ્કિન એલર્જી સંપૂર્ણપણે દૂર થઇ જાય છે. પણ હા, યાદ રાખો ત્વચાને લગતી કોઇપણ પ્રકારની એલર્જીનો સામનો કરી રહ્યા હોવ ત્યારે ગરમ પાણીથી નાહવાનું ટાળો કારણ કે આનાથી વધારે બળતરા, ખંજવાળ, બેચેની થઇ શકે છે. ઠંડું પાણી એલર્જીમાં રાહત પહોંચાડે છે માટે ઠંડા કે હુંફાળા પાણીથી નાહવાનું રાખો.