ફિલ્મ રિવ્યૂઃ હેપી એન્ડિંગ

21 Nov, 2014

રિયલ લાઈફમાં ક્યારેય હેપી એન્ડિંગ હોય નહીં આ વાત ફિલ્મમાં કહેવામાં આવી છે
‘‘આને વાલા હે ગાને કા હુક, નાચો સારે G ફાડ કે’’.. અને એક જાડિયો, લઘરવઘર સૈફ પોલકા ડોટ્સવાળી રેડ બિકિની ગર્લ્સથી ઘેરાયેલો અને ગાય ‘‘ પાજી તુસ્સી સચ અ પુસ્સી કેટ’’. આટલું કાફી છે એ બતાવવા માટે કે આ બોલ્ડ મુવી ફેમિલી માટે નહીં પણ કોલેજિયન્સ માટે વધુ છે. છોટે નવાબ સૈફની પર્સનાલિટી પર બંધ બેસે અને ‘ગો ગોઆ ગોન’ વાળા ડાયરેક્ટર કિશ્ના ડી કે અને રાજ નીદીમોરુને ફાવે એવું રોમેડી અર્થાત રોમકોમ મંજે રોમેન્ટિક કોમેડી છે, હેપી એન્ડીંગ, ડ્યુડ જેમાં તમને એવું સમજાવવામાં આવે છે કે ફક્ત ફિલ્મ્સમાં હેપી એન્ડિંગ હોય, રીયલ લાઈફમાં નહિં અને ટીપીકલનેસ બહુ થઇ, જરા હટકે કરો.

કવિની લાઈફ ઉપર સિરીયસ મહાન ફિલ્મ બની હતી, ગુરુદત્તની પ્યાસા અને એક લેખક ઉપર આ હળવી ફૂલફટ્ટાક મુવી છે, હેપી એન્ડિંગ. જેનો હીરો અહી વુમનાઈઝર તો નથી પણ કેસોનોવા કહી શકાય. અર્થાત પ્લેબોય ટાઈપનો. જે કોઈ પણ છોકરીને લાઈફ લોંગ કમિટમેન્ટ કરતા ભાગે છે. માટે મુવીમાં સૈફના કપડાં ઓછા અને એની સાથેની ગર્લફ્રેન્ડસ વધુ બદલતી દેખાય છે. (અને એની ઓપોઝીટ ઈલેના દરેક સીન નવા ડ્રેસમાં!) લાઈફમાં શું જોઈએ? તો કે, શોહરત, પૈસો અને છોકરીઓ. આ બધું મળી ગયું છે માટે આપણા યુડી એટલે કે સૈફે સાડા પાંચ વર્ષથી એક પણ બુક નહીં લખી. મીન્સ, મહેનતનું એક કામ નહીં કર્યું. બસ ઐયાશી કરી છે. મોજે મોસ્તી છે. માટે દરરોજ સવારે બસસ્ટોપ પર નવી છોકરી, મજા કરી લીધા બાદ- ટાટા બાય બાય. એટલે એક સીનમાં સિનેમા સ્ક્રિન પર એવું આપણે વાંચીએ કે ‘‘સીન ૯, બ્રેક અપ એટેમ્પપ્ટ નંબર ૭’’. હવે પૈસા ખલાસ થઇ રહ્યા છે અને એના પ્રકાશક ઈલીયાના એટલે કે આંચલ રેડ્ડીને એની પ્રમુખ લેખિકા બનાવી દે છે.

સૈફ સાઈડમાં ધકેલાઈ જાય છે અને અહી એન્ટ્રી થાય કોમેડીના બાદશાહ ગોવિંદાની. ડાયરેક્ટરે ગોવિંદાના મોઢામાં શ્લેષ અભિપ્રેત થાય એવો ડાયલોગ મુક્યો છે કે, ‘‘ મેં સિંગલ સ્ક્રિન કા હીરો હું ઔર મલ્ટીપ્લેક્ષ મેં આના ચાહતા હું’’. ગોવિંદા અહી 'કિલ દિલ' કરતાં સારો લાગે છે, B-grade હીરોનું લાઉડ કિરદાર નિભાવવા છતાં પણ એક ગોવિંદા બબ્બે સૈફ અલી ખાન કરતાં વધુ મનોરંજક છે. યસ, અહીં સૈફના ડબલ રોલ છે. સૈફનો બીજો રોલ ખુદ પોતે, જેનું નામ યોગી, નિષ્ફળ સુપરસ્ટાર જેવો લુકવાળો જાડિયો જે પેલા પુસ્સી કેટ ગીતમાં દેખાય છે અને એ રાજ-ક્રિશ્નાએ યોગીનું કેરેક્ટર મ્યુઝીક ડાયરેક્ટર પ્રીતમ ઉપરથી ડેવલપ કર્યું છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રીતમના આસિસ્ટન્ટ રહી ચુકેલા અને હમણાની આપણી ગુજરાતી હિટ ‘બેય યાર’માં સંગીત આપી ચુકેલા સચિન-જીગરની જોડીએ ફ્રેશ મ્યુઝીક આપ્યું છે. જે યુથને વધુ અપીલ કરે. આખા મુવીમાં એ પ્રયાસ સતત દેખાય આવે છે કે, વી આર ડિફરન્ટ. પણ, વધુ પડતું હટકે કરવા જઈએ તો છેલ્લે તો તમારે પરંપરાગત ચોકઠામાં આવવું પડે ભીડું. આ આખા મુવીનો સોલ મેસેજ. રોમાન્સ છે મુવીમાં પણ કોમેડી વધુ છે.

મુવીની અમુક મુવમેન્ટસ ફની છે. રીયલ લાઈફ વાઈફ, કરિના કપૂર ખાન સાથે મુવીના પહેલા સીનમાં બ્રેક અપ કરવું અને કરિનાનું સૈફને મિડલ ફિંગર દેખાડવી, ટાઈટલ્સમાં ગેસ્ટ અપીયરન્સમાં એક કરતા વધારે કલાકારોના નામ પછી ‘and above all GOVINDA’ વાંચવું, રણવિર શૌરેનું એની ટીપીકલ ડોમીનેટીંગ વાઈફથી ડરવુ, 'તારે ઝમીન પર' વાળા દર્શીલ સફારીનુ એડલ્ટ ફીમેલ વર્ઝન એટલે કે કલ્કી કોચ્લીનનુ એના ‘બીએફ’ સૈફના મોબાઈલમાં સૈફની ચોકી કરવા માટે ‘નો સ્પેસ’ એપ નાખવી, ઈલીયાના અને સૈફ એક રૂમમા ઉતર્યા હોય ત્યારે એ બંને વચ્ચે બધું પતી ગયા બાદ તરત બેડ ઉપર એકબીજાથી ઉંધી દિશામા સુઈ જવું, સિક્સ પેક એબ બ્લેક માર્કર પેનથી દોરીને ઉભેલો ગોવિંદા કે ગોવિંદા કરતા પણ વધુ ઘરડી લાગતી પ્રીટિ ઝીંટા એના ત્રણ છોકરા સાથે એના એક્સ-બીએફ સૈફના ઘરમાં અડધી રાતે ઘૂસે, કે લોંગ ડ્રાઈવમાં બોલિવૂડના ગીતોની મેલોડી વાગે અને એમાં સૈફનુ હિટ ગીત ‘જબ ભી કોઈ લડકી દેખી મેરા દિલ દિવાના બોલે, ઓલે ઓલે' પર સૈફના એક્પ્રેશન...આ બધી ફન લવવિંગ, યુથ કેચિંગ, હ્યુમર ફિલ્મ મોમેન્ટસ છે.

પણ.. બટ... ધેટ ડઝ નોટ મેક મુવી ડિફરન્ટ. મુવી હટકે બનાવવાનો પ્રયાસ કયો છે, અને હળવુફૂલ પણ બન્યુ છે. પણ મજબૂત વાર્તાના અભાવે લાંબું પણ લાગે છે. પ્લસ, 'લવ આજ કલ', 'સલામ નમસ્તે', 'અન્જાના અનજાની', 'કોકટેલ' જેવા મુવીઝની ઝલક ક્યાંક ને ક્યાંક 'હેપી એન્ડિંગ'માં દેખાઈ આવે. સાવ ના ગમે એવું નથી, પણ આ મુવી જુવાનીયાઓ અને કોલેજ બોય્ઝ કે કોલેજ ગર્લ્સ માટે વધુ છે. મુવી આનાથી વધુ સારું બની શક્યું હોત. પણ ટ્રીટમેન્ટ ફ્રેશ છે. તમારી ઉંમરનો દશકના અંકમાં ‘૩’ કે એનાથી મોટો અંક આવતો હોય તો આ તમારા માટે ‘હેપી એન્ડિંગ’ કદાચ હેપી સાબિત નહીં થાય.