ફેશન માટે ટેટૂ ત્રોફાવતા પહેલાં એકવાર આ નુકસાન અને વાતો ચોક્કસ જાણવી

11 Sep, 2015

 આજના સમયમાં આવતાં નવા નવા ટ્રેન્ડ્સને અનુસરવામાં કોઈ વાંધો નથી અને લોકો અનુસરે પણ છે પરંતુ કેટલાક ટ્રેન્ડ્સ એવા હોય છે કે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવો જ એક ટ્રેન્ડ છે શરીરના વિવિધ ભાગો પર ટેટૂ ત્રોફાવવું. આજકાલ યુવાનોમાં જે રીતે ટેટૂ ચીતરવાનો ક્રેઝ વધી રહ્યો છે તે ગાંડપણથી ઓછો નથી. એમાંય યુવાનોમાં તો તે સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનતો જઈ રહ્યો છે. શરીર પર બ્લેકથી લઈને વાઈટ અને અલગ-અલગ કલરફુલ ટેટૂ ત્રોફાવવાની ફેશન યુવાનોમાં બહુ જ લોકપ્રિય બની ગયું છે. જો તમને પણ ટેટૂ ત્રોફાવવાની ઘેલછાં હોય તો એકવાર અહીં જણાવેલી બાબતો અને નુકસાન જાણવા જ જોઈએ.

ઈન્ફેક્શન અને એલર્જી
 

 

ટેટૂ ત્રોફાવવું ભલે સ્ટાઈલિશ લાગતું હોય પરંતુ તે અનેક બીમારીઓનું ઘર પણ બની શકે છે. ઘાતક રોગો થવાની સંભાવના સાથે ત્વચાને બહુ નુકસાન થાય છે. જેમાં સ્કિન પર લાલ નિશાન થવા, સોજો, પરૂં નિકળવું, દુખાવો થવો જેવા ઈન્ફેક્શન થવાનું રિસ્ક અનેકગણો વધારે હોય છે. આ સિવાય બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનું રિસ્ક પણ વધુ હોય છે. પર્મનન્ટ ટેટૂ ત્રોફાવવાથી થતાં દર્દથી બચવા માટે કેટલાક લોકો ટેમ્પરરી ટેટૂ ત્રોફાવવાનું વિચારતા હોય તો પણ તેનાથી સાવધાન થઈ જજો કારણ કે તે પણ સલામત તો નથી જ અને તેનાથી તમને સ્કિન એલર્જી ભોગવવી પડી શકે છે.
 
સ્કિન સમસ્યા અને કેન્સર
 
ટેટૂ બનાવતી વખતે લોકો એક મિનિટ માટે પણ વિચારતા નથી. તેનાથી સોરાયસિસ (લાલ ચાઠાંવાળો એક ચર્મરોગ) નામની બીમારી થવાનો ખતરો રહે છે. એક વ્યક્તિ માટે ઉપયોગમાં લેવા નીડલ અન્ય વ્યક્તિ પર ઉપયોગ કરવાથી ચામડીના રોગ, હેપેટાઈટિસ અને એચઆઈવી જેવી સંક્રમિત બીમારીઓ પણ થઈ શકે છે. ટેટૂ ત્રોફાવવાથી કેન્સર થવાનો ખતરો પણ બહુ વધી જાય છે.
 
કેમિકલ્સનો ખતરો
 
ટેટૂ ત્રોફાવવામાં જે ઈંકનો પ્રયોગ કરવામાં આવે  છે તેમાં ખતરનાક કેમિકલ્સ રહેલાં હોય છે. જેના કારણે સ્કિન કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી બ્લૂ ઈંકમાં કોબાલ્ટ અને એન્યૂમિનિટમ હોય છે. જ્યારે લાલ રંગની ઈંકમાં મરક્યૂરિયલ સલ્ફાઈડ અને અન્ય રંગોની ઈંકમાં શીશો, કેડિયમ, ક્રોમિયમ, નિકલ, ટાઈટેનિયમ અને અનેક પ્રકારની અન્ય ધાતુઓ મિક્ષ કરવામાં આવે છે. જેના કારણે ત્વચાને બહ જ હાનિ થઈ શકે છે. 
 
મસલ્સને નુકસાન
 
મોટાભાગના યુવાનો ટેટૂથી થતાં નુકસાનને નજરઅંદાજ કરે છે. પણ યુવાનો કેટલાક એવા પ્રકારના કોમ્પ્લિકેટ ડિઝાઈનવાળા ટેટૂ બનાવડાવે છે જેને ત્રોફાવવા માટે સોયને શરીરમાં વધુ અંદર સુધી નાખવામાં આવે છે. ટેટૂ બનાવતી વખતે અણીદાર સોય વાપરવામાં આવે છે ત્યારે ચામડીના ઉપલા સ્તર પર રહેલી રક્તવાહિનીમાં ઉઝરડા પડે છે. જેના કારણે ચામડીની ઉપલી રક્તવાહિનીઓમાં તિરાડો પડી શકે છે. ઘણી વાર એવું પણ બને છે કે રક્તવાહિનીમાં શાહી જવાથી લોહીમાં પણ નુકસાન થાય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે શરીરના જે ભાગ પર તલ હોય ત્યાં ટેટૂ ન કરાવવું જોઈએ.
 
ચામડીના રંગમાં ફેરફાર
 
કેટલીક વાર ટેટૂથી એલર્જી કે અન્ય સ્કિન સમસ્યાઓને કારણે ટેટૂ બનાવ્યાના થોડા સમય બાદ ત્વચાના જે ભાગ પર ટેટૂ બનાવવામાં આવ્યું હોય તેની આસપાસની ચામડીના રંગમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે ત્વચાનો રંગ કાળો પડી જાય છે અને કયારેક લાલાશ જેવો ભાગ પણ બની જાય છે.
 
ટેટૂ બનાવતી વખતે અને બનાવ્યા બાદ રાખો આટલી સાવધાની
 
-ટેટૂ બનાવતા પહેલાં હેપેટાઈટિલ બીની રસી લગાવડાવી.
 
-ટેટૂ બનાવતી પહેલાં આ વાતનું ધ્યાનથી પુષ્ટિ કરવી કે ટેટૂ બનાવનાર સારો જાણકાર છે અને તેની પાસે ટેટૂ બનાવવા માટે લેટેસ્ટ ટૂલ હોવાની સાથે સફાઈપૂર્વક કામ કરશે કે નહીં.
 
-ટેટૂ બનાવ્યા બાજ લગભગ બે સપ્તાહ સુધી તેની પર પાણી નાખવું નહીં.
 
-ટેટૂ બનાવ્યા બાદ તેને તડકાથી બચાવવું કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્કિનને બાળી દે છે જેનાથી સમસ્યાઓ વધી શકે છે. જ્યારે ટેટૂવાળો ભાગ સૂર્યના સંપર્કમાં આવે ત્યારે ચામડીમાં બળતરા થાય છે. જેના કારણે ત્વચાની એલર્જી થાય છે.
 
-ટેટૂ પર ખુજલી આવે તો ખંજવાળવું નહીં, તેને ઢાંકીને રાખવું.
 
-ટેટૂ પર હળવું તેલ કે મોઈશ્ચરાઈઝર લગાવતાં રહેવું, જેથી ડ્રાયનેસની સમસ્યાથી બચી શકાય.